ફેક્ટશીટ એક જ વખતમાં સ્કિમ અંગેની વિગતવાર માહિતી મેળવવા માટે રોકાણકાર એક્સેસ કરી શકે એવો સૌથી વધુ વિશ્વસનીય માર્ગદર્શક છે. વિદ્યાર્થીનું માસિક પ્રગતિપત્રક કેવું દેખાય છે એ તમે જોયું છે ? તે માત્ર બાળકનાં શૈક્ષણિક દેખાવને લગતા પાસાઓને જ નથી આવરતું, પરંતુ બાળકની વર્તણુક, બિન-શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં સહભાગિતા, હાજરી, શિસ્ત અને તમારે બાળક અંગે જાણવી જરૂરી હોય એવી તમામ બાબતોને પણ આવરે છે. પ્રગતિપત્રક વર્ગની સરેરાશની તુલનામાં બાળકના દેખાવને પણ દર્શાવે છે. આ ફંડ ફેક્ટશીટ માટે પણ લાગુ થાય છે. તે દરેક સંભવિત કે પ્રવર્તમાન રોકાણકારે જાણવા જરૂરી હોય એવા ફંડના મહત્ત્વના પાસાઓ, જેવા કે રોકાણના ઉદ્દેશ, બેન્ચમાર્ક, એયુએમ, ફંડ મેનેજર્સ, વિશેષતાઓ જેવી કે ઉપલબ્ધ વિકલ્પો, રોકાણની લઘુત્તમ રકમ, લાગુ થતા એક્ઝિટ લોડ્સ અને વિભિન્ન પ્લાન્સની એનએવી ને આવરે છે.
ત્યાર પછી ફેક્ટશીટ મહત્ત્વના દેખાવ અને જોખમ પરિમાણો જેવા કે ઇક્વિટી ફંડ્ઝ માટેનાં પ્રમાણભૂત ડેવિએશન (વધઘટનું માપ), બેટા, શાર્પ રેશિયો, વિભિન્ન પ્લાન્સનો ખર્ચ ગુણોત્તર અને પોર્ટફોલિયો ટર્નઓવરને આવરે છે, જ્યારે અવધિ, સરેરાશ પાકતી મુદ્દત અને પોર્ટફોલિયો ઊપજ ડેટ ફંડ્ઝ માટે જાહેર કરવામાં આવે છે. ફેક્ટશીટ સેક્ટર્સ અને જામીનગીરીઓમાં અગાઉના મહિના માટેનાં પોર્ટફોલિયો હોલ્ડિંગ્સને પણ જાહેર કરે છે. તે તેના બેન્ચમાર્કની તુલનામાં ફંડના ઐતિહાસિક દેખાવને દર્શાવે છે અને ફંડનાં જોખમનાં સ્તરને પણ સ્પષ્ટ કરે છે. ટૂંકમાં ફેક્ટશીટ તમને એક રોકાણકાર તરીકે જાણવા યોગ્ય દરેક નાનામાં નાની મહત્ત્વની માહિતી પૂરી પાડે છે.