તમારા પોર્ટફોલિયો માટે ઈક્વિટી ફંડને પસંદ કરવા માટે પદ્ધતિસરની પસંદગી પ્રક્રિયા જરૂરી બને છે જેના બે તબક્કા હોય છે. પહેલો તબક્કો તમારા વિશેનો હોય છે જેની શરૂઆત તમારા પોર્ટફોલિયોમાં કોઈ ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ માટેની જરૂરિયાત અથવા તમારા નાણાકીય લક્ષ્યાંકની સાથે તેના સમયની ક્ષિતિજ, ઈક્વિટી ફંડ રોકાણના પ્રકાર અને તમારી જોખમ સહનશીલતાની આકારણીને ઓળખવાની સાથે થાય છે. એક વાર આ ત્રણ ચીજો ગોઠવાઈ જાય ત્યાર પછી ઉપલબ્ધ હોય તેમાંથી અનુકૂળ ફંડની પસંદગી એ પ્રક્રિયામાં આગામી પગલું છે, એટલે કે બીજો તબક્કો છે.
આમ, બીજા તબક્કામાં ફંડ્સ પરની ચોક્કસ માહિતી માટે તપાસ કરીને તેમજ વિવિધ જોખમી માપદંડોનું વિશ્લેષણ કરીને વધુ ગુણાત્મક અભિગમનો ઉપયોગ કરીને તમામ અનુકૂળ ફંડ્સ દ્વારા શોધ ચલાવવાનો સમાવેશ થાય છે. તમારે ફંડ પોર્ટફોલિયો, વિન્ટેજ, ફંડ મેનેજર્સ, ખર્ચના ગુણોત્તર, બેન્ચમાર્ક અને સમય સાથે ફંડ તેના બેંચમાર્કના સંદર્ભમાં કેવી કામગીરી કરી છે તેની માહિતી તપાસવી જોઈએ.
તમે પોર્ટફોલિયો પર ધ્યાન આપો ત્યારે જુઓ કે સેક્ટરની ફાળવણી અને સ્ટોક પસંદગીમાં તે કેટલો વૈવિધ્યસભર છે. આને ફંડના ટોપ 10 સેક્ટર અને સ્ટોક હોલ્ડિંગમાંથી નિર્ધારિત કરી શકાય છે. તમે વિન્ટેજ તરફ જુઓ ત્યારે તે તમને ખ્યાલ આપી શકે છે કે આ ફંડે કેટલા આર્થિક ચક્રોનો સામનો કર્યો છે. તેજીના સમયમાં મોટાભાગના ફંડ સારું પ્રદર્શન કરે છે, પરંતુ તેજી અને મંદીના એક પૂર્ણ ચક્ર દરમિયાન કોઈ ફંડ કેવું પ્રદર્શન કરે છે તે પોર્ટફોલિયોની પ્રતિરોધકતાનો સૂચકાંક છે. ફંડ મેનેજરનો ટ્રેક રેકોર્ડ પણ ફંડના વિન્ટેજ સાથે નિકટતા સંકળાયેલો છે. તમે કોઈ પણ ફંડ મેનેજરના ટ્રેક રેકોર્ડ વિશે વધુ સારો ખ્યાલ મેળવવા માટે તે ફંડ મેનેજર દ્વારા સંચાલિત કરાતા અન્ય ફંડ પર પણ નજર કરી શકો છો.
કોઈ ફંડનું કામગીરીની દૃષ્ટિએ કેટલી સારી રીતે સંચાલન કરાયું છે તે માટે ખર્ચનો ગુણોત્તર પણ એક મહત્ત્વપૂર્ણ સૂચકાંક છે, જે ફંડના પ્રદર્શન કરતા તદ્દન અલગ છે. જેટલો નીચો ખર્ચનો ગુણોત્તર, તેટલો જ તે ફંડ રોકાણકાર માટે સારો ગણાય.
હવે, સ્ટાન્ડર્ડ ડિવિયેશન અને બીટા જેવા ચાવીરૂપ ઈક્વિટી ફંડ જોખમો પર નજર નાખો. અગાઉનો સૂચકાંક તમને તેના વળતરમાં અપેક્ષિત ઉતારચઢાવ અથવા વળતરમાં ફંડની વોલેટિલિટીનો ખ્યાલ આપે છે. ઊંચા માપદંડનું સ્ટાન્ડર્ડ ડિવિયેશન તમને ફંડના વળતરમાં વધુ અસ્થિરતા સૂચવે છે એટલે કે ફંડના સરેરાશ અપેક્ષિત વળતર કરતા તે બંને તરફ (પોઝિટિવ અને નેગેટિવ) ઝૂકી શકે છે. બીટા એ બજાર હિલચાલ પ્રત્યે ફંડની સંવેદનશીલતાનો સૂચકાંક છે. બીટા >1નો અર્થ એ થાય કે ફંડની NAV બજારની ગતિવિધી પ્રત્યે વધુ સંવેદનશીલ છે. માટે બજાર ઊંચકાવાની સ્થિતિમાં બજાર કરતા આ ફંડ વધુ ઊંચકાશે અને બજારમાં ઘટાડાની સ્થિતિમાં આ ફંડ બજાર કરતા વધુ ઘટશે. બીટા =1નો અર્થ એ થાય છે કે ફંડની NAV બજારની ગતિવિધિની આસપાસ રહેશે. ઓછા જોખમી ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ સામાન્ય રીતે બીટા <1 ધરાવે છે.
તમારા પોર્ટફોલિયો વિશે અંતિમ નિર્ણય લેતા પહેલાં તમારા ફંડ વિશે પોતાની જાતે માહિતી એકત્ર કરવા અને તેનું વિશ્લેષણ કરવા માટે સમય ફાળવો અથવા નાણાકીય સલાહકારનું માર્ગદર્શન મેળવો.