કેટલાક એવા પ્રકારના મ્યુચ્યુઅલ ફંડ્સ હોય છે જે તમારા રોકાણ પર 'લૉક-ઇન પીરિયડ' લાગુ કરે છે. તેમાં ડેબ્ટ ફંડ્સમાં ઇક્વિટી-લિંક્ડ સેવિંગ્સ સ્કીમ્સ (ELSS), ફિક્સ્ડ મેચ્યોરિટી પ્લાન્સ (FMP) અને ક્લોઝ્ડ એન્ડેડ મ્યુચ્યુઅલ ફંડ્સનો સમાવેશ થાય છે. લૉક-ઇન પીરિયડ એવો લઘુતમ સમયગાળો દર્શાવે છે કે જે દરમિયાન રોકાણકારોએ તેમનું રોકાણ જાળવી રાખવું આવશ્યક હોય છે. રોકાણકારો તે સમયગાળામાં મ્યુચ્યુઅલ ફંડ યુનિટને રિડીમ કરી શકતા અથવા વેચી શકતા નથી.
મ્યુચ્યુઅલ ફંડ સ્કીમના પ્રકારના આધારે લૉક-ઇન પીરિયડ બદલાઇ શકે છે. દાખલા તરીકે, ઇક્વિટી લિંક્ડ સેવિંગ્સ સ્કીમ્સ (ELSS) એ ટેક્સ-સેવર મ્યુચ્યુઅલ ફંડ છે, જે ત્રણ વર્ષના લૉક-ઇન પીરિયડ સાથે છે. મતલબ કે, તમે રોકાણની તારીખથી ત્રણ વર્ષ પૂર્ણ થયા પહેલાં તેમના યુનિટને વેચી કે રિડીમ કરી શકતા નથી. તેવી જ રીતે, અમુક ક્લોઝ-એન્ડેડ મ્યુચ્યુઅલ ફંડ્સમાં સ્કીમના ઑફર દસ્તાવેજમાં ઉલ્લેખિત લૉક-ઇન પીડિયડ હોઇ શકે છે. આ ઉપરાંત, ત્રણ વર્ષ કરતાં વધુ સમય સુધીની માલિકીવાળા રોકાણમાંથી મળતા વળતરને લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ (LTCG) તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. LTCG માટેનો ટેક્સ દર નિયમિત આવક પર લાગુ પડતા દર કરતાં ઓછો હોય છે (જે વ્યક્તિની કરપાત્ર કમાણી પર આધાર રાખે છે). તેથી, ત્રણ વર્ષથી વધુ સમય માટેનો લૉક-ઇન પીરિયડ ફાયદાકારક સાબિત થઇ શકે છે.
જો કે, મોટાભાગના ઓપન-એન્ડેડ મ્યુચ્યુઅલ ફંડમાં લૉક-ઇન પીરિયડ હોતો નથી. તમે કોઇપણ સમયે તેમના યુનિટ ખરીદી અને વેચી શકો છો.
ડેબ્ટ ફંડ્સમાં નિશ્ચિત પાકતી મુદતની સ્કીમ માટે, તમારે લૉક-ઇન પીરિયડ સુધી તમારા રોકાણને જાળવી રાખવું આવશ્યક હોય છે, જે નિશ્ચિત મુદત માટે રાખવાનું હોય છે. તે સમયગાળા પછી, તમે તમારા યુનિટને રિડીમ કરી શકો છો. લૉક-ઇન ટેક્સ પ્લાનિંગ માટે નથી પરંતુ અંતર્ગત ડેબ્ટ એસેટ્સ પર યીલ્ડ મેળવવા માટે છે, જેને પાકતી મુદત સુધી રાખવા જોઇએ.
લૉક-ઇન સમયગાળો સામાન્ય રીતે ટૂંકા ગાળાના ટ્રેડિંગ અને સટ્ટાખોરીને પ્રોત્સાહન ન મળે તે માટે લાગુ કરવામાં આવે છે. તેનાથી તમને લાંબા ગાળા સુધી રોકાણ કરવાની આદત કેળવવામાં મદદ મળે છે.
લૉક-ઇન પીરિયડનું મહત્વ
- તમને લાંબા ગાળા માટે રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરે છે
- બજાર ઘટે તે દરમિયાન ચિંતામાં આવી બહાર નીકળી જતાં રોકે છે
- ફંડ મેનેજરો પરફોર્મન્સ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે
- વળતરમાં વોલેટિલિટી ઘટાડે છે
લૉક-ઇન પીરિયડ પછી ફંડના પ્રકારના આધારે, તમારું રોકાણ તરત જ વેચવાને બદલે, તેનું મૂલ્યાંકન કરો. જો તે તમારી અપેક્ષાઓ પૂરી કરી રહ્યું હોય, તો તમે તેને જાળવી રાખવાનું અથવા તો વધુ રોકાણ કરવાનું પસંદ કરી શકો છો.
તમારા લાંબા ગાળાના નાણાકીય ધ્યેયોને અનુરૂપ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ પસંદ કરીને અને શિસ્તબદ્ધ અભિગમ અપનાવીને, તમે તે ધ્યેયો પ્રાપ્ત કરવા માટે પાવર ઓફ કમ્પાઉન્ડિંગનો લાભ લઇ શકો છો.
અસ્વીકરણ
મ્યુચ્યુઅલ ફંડ્સમાંનાં રોકાણો બજારનાં જોખમોને આધિન છે, સ્કીમ સંબંધિત બધા જ દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો.