નાણાકીય બજારોમાં રોકાણ કરવું એ ઘણાં લોકો માટે સારું વળતર આપવાનો નિર્ણય હોઈ શકે છે પરંતુ તમારી રોકાણની પસંદગીઓને પ્રભાવિત કરી શકે તેવા વિવિધ કૉન્સેપ્ટ્સને સમજવા પણ એટલા જ મહત્વના છે. આવો જ એક મહત્વનો કૉન્સેપ્ટ લિક્વિડિટી છે.
તો, લિક્વિડિટી એટલે શું? રોકાણના ક્ષેત્રમાં લિક્વિડિટી એટલે કોઈ વ્યક્તિ તેના રોકાણને કેટલી ઝડપથી અને કેટલી સરળતાથી રોકડ નાણાંમાં ફેરવી શકે છે. કોઈ એસેટ ખૂબ જ લિક્વિડ હોય તો તમે તેને ખૂબ જ ઝડપથી રોકડ નાણાંમાં ફેરવી શકો છો અને આ રીતે રૂપાંતરણ કરવામાં ખર્ચ પણ ઓછો થશે. પરંતુ જો એસેટ ઓછી લિક્વિડ હશે તો તેને રોકડ નાણાંમાં રૂપાંતરિત કરવામાં સમય અને ખર્ચ બંને વધુ થશે.
મ્યુચ્યુઅલ ફંડ્સમાં લિક્વિડિટીઃ મ્યુચ્યુઅલ ફંડ્સ એ રોકાણ કરવાનો માર્ગ છે, જેમાં ઘણાં બધાં લોકો તેમના નાણાંને એકઠાં કરીને ભંડોળ બનાવે છે અને ફંડ મેનેજર તે નાણાંને સ્ટોક, બૉન્ડ્સ અથવા તો અન્ય કોઈ એસેટ્સના મિશ્રણમાં રોકે છે. મ્યુચ્યુઅલ ફંડમાંથી તમારા નાણાંને બહાર કાઢવાનું કેટલું સરળ છે, તેનો આધાર ફંડ જે એસેટમાં રોકવામાં આવ્યાં છે, તેને ખરીદવાનું કે વેચવાનું કેટલું સરળ છે, તેના પર રહેલો છે.