જેમ શાળાનું પ્રગતિ પત્રક બાળકનાં શૈક્ષણિક સત્ર દરમિયાન અલગ-અલગ શિક્ષક દ્વારા ભણાવવામાં આવેલા વિવિધ વિષયોની યોજવામાં આવેલી પરીક્ષાના ગુણ બતાવે છે એવી રીતે કન્સોલિડેટેડ એકાઉન્ટ સ્ટેટમેન્ટ (સીએએસ) ફિઝિકલ સ્ટેટમેન્ટ છે, જે મહિના દરમિયાન વિભિન્ન મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં રોકાણકારો દ્વારા થયેલા તમામ નાણાકીય વહેવારોની નોંધ ધરાવે છે. જો તમે વિભિન્ન ફંડ્ઝમાં રોકાણ કર્યું હોય તો ખરીદી, રિડિમ્પશન, સ્વિચિસ, એસઆઇપી/ એસટીપી / એસડબ્લ્યુપી, ડિવિડન્ડની ચુકવણી/ ડિવિડન્ડનું પુનઃરોકાણ જેવા તમામ નાણાકીય વહેવારોની નોંધ કરવામાં આવે છે.
સીએએસ પાન સાથે સંકળાયેલા વિભિન્ન પોર્ટફોલિયોના ખુલતા અને બંધ થતા બેલેન્સની પણ નોંધ કરે છે. જોકે બેંકની વિગતો, સરનામું, નોમિની વગેરેમાં ફેરફાર જેવા બિન-નાણાકીય વહેવારોની નોંધ સીએએસમાં કરવામાં આવતી નથી. સીએએસ માત્ર વિભિન્ન ફંડ હાઉસોમાં થયેલા માસિક નાણાકીય વહેવારોની જ નોંધ નથી કરતા, પરંતુ તે ડીમેટ મોડમાં અન્ય જામીનગીરીઓમાં થતા વહેવારોની પણ નોંધ લે છે. આનો અર્થ એવો થાય છે કે સ્ટોકને લગતા વહેવારોની નોંધ પણ સીએએસમાં કરવામાં આવે છે.
તેથી સીએએસ તમારા નાણાકીય રોકાણને લગતા વહેવારોનું ખરેખર કન્સોલિડેટેડ સ્ટેટમેન્ટ છે. સીએએસ માસિક ધોરણે જનરેટ થાય છે અને તે પછીના મહિનાના 10માં દિવસ સુધીમાં રોકાણકારોને મેઇલ કરવામાં આવે છે. સીએએસ યુનિક પાન ધારક માટે જનરેટ થાય છે અને તેથી તે વિશેષ પાન સાથે સંકળાયેલા તમામ નાણાકીય વહેવારોની નોંધ કરે છે. જો મહિનામાં પાન ધારક દ્વારા કોઇ નાણાકીય વહેવાર કરવામાં ન આવે તો સીએએસ જનરેટ થતું નથી.