ફિક્સ્ડ ઇન્કમ ફંડ્સ એ મ્યુચ્યુઅલ ફંડની એક સ્કીમ છે જે અંતર્ગત આવતી એસેટ સરકારી સિક્યોરિટીઝ, ડિબેન્ચર્સ, કોર્પોરેટ બોન્ડ્સ અને અન્ય મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ જેવી ફિક્સ્ડ-ઇન્કમ સિક્યોરિટીઝ હોય છે. આ ફંડ વ્યાપક રીતે ડેબ્ટ ફંડ તરીકે પણ ઓળખાય છે. કોર્પોરેટ બોન્ડ ફંડ્સ, ડાયનેમિક બોન્ડ ફંડ્સ, બેન્કિંગ અને PSU ડેબ્ટ ફંડ્સ, ગિલ્ટ ફંડ્સ, લિક્વિડ ફંડ્સ વગેરે ફિક્સ્ડ ઇન્કમ ફંડ્સની કેટેગરીમાં આવે છે.
ફિક્સ્ડ-ઇન્કમ મ્યુચ્યુઅલ ફંડમાં સામાન્ય રીતે નીચે મુજબની સુવિધાઓ હોય છે:
ફિક્સ્ડ ઇન્કમ સિક્યોરિટીઝમાં રોકાણ: તેનો હેતુ બોન્ડ્સ અને અન્ય ફિક્સ્ડ ઇન્કમની સિક્યોરિટીઝમાં રોકાણ કરીને રિટર્ન (વળતર) મેળવવાનો હોય છે. આનો અર્થ એવો થાય કે, આ ફંડ્સ બોન્ડની ખરીદી કરે છે અને રોકાણ પર વ્યાજની આવક મેળવે છે.
ઓછી માર્કેટ વોલેટિલિટી: ફિક્સ્ડ ઇન્કમ સિક્યોરિટીઝની વોલેટિલિટી (વધઘટ) ઓછી હોય છે અને બજારની વિવિધ વધઘટના કારણે તેના પર ઓછી અસર પડે છે.
ડાઇવર્સિફાઇડ પોર્ટફોલિયો: ડેબ્ટ ફંડ્સનું રોકાણ ડેબ્ટ અને મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ (જેમ કે કોમર્શિયલ પેપર્સ, ટ્રેઝરી બિલ્સ અને વધુ) બંનેમાં કરવામાં આવે છે. આનાથી ડાઇવર્સિફાઇડ પોર્ટફોલિયો ધરાવતા ડેબ્ટ ફંડની વિશેષતા આગળ આવે છે અને તે બેંક ડિપોઝિટની સરખામણીએ વધુ વળતર આપી શકે છે.
ફિક્સ્ડ ઇન્કમ ફંડ્સની અન્ય વિશેષતાઓ આ મુજબ છે:
- ડેબ્ટ ફંડ્સને વ્યાજ મળે છે જે સ્કીમની અંતર્ગત આવતા બોન્ડ્સ અને ડિબેન્ચર્સ દ્વારા ચુકવવામાં આવે છે, સાથે જ તેની કિંમતમાં વૃદ્ધિની સંભાવના રહે છે.
- તેમજ, આ ફંડ્સમાં સામાન્ય રીતે લૉક-ઇન પિરિયડ હોતો નથી. આનો અર્થ એવો થાય કે, રોકાણકારો જ્યારે ઇચ્છે ત્યારે ફંડમાંથી પોતાના નાણાં ઉપાડી શકે છે, જે કોઇપણ એક્ઝિટ લોડ અને અન્ય ખર્ચાઓ લાગુ પડતા હોય તો તેને આધીન છે.
- ફિક્સ્ડ-ઇન્કમ ફંડની સરખામણી જ્યારે અન્ય મ્યુચ્યુઅલ ફંડ્સ (જેમ કે ઇક્વિટી) સાથે કરવામાં આવે છે, ત્યારે તેમાં પ્રમાણમાં ઓછું જોખમ હોવાનું જાણવા મળે છે. આ ફંડ્સ તમારા પોર્ટફોલિયોને સંતુલિત કરીને અને એકંદર જોખમને ઘટાડીને તમારા રોકાણના પોર્ટફોલિયોને થોડી સ્થિરતા પણ આપે છે.
જો કે, આનો અર્થ એવો નથી કે, આ ફંડ્સ જોખમ-મુક્ત હોય છે. તેમાં હજુ પણ તેની સાથે સંકળાયેલા કેટલાક જોખમો હોય છે.
અસ્વીકરણઃ મ્યુચ્યુઅલ ફંડ્સમાંનાં રોકાણો બજારનાં જોખમોને આધિન છે, સ્કીમ સંબંધિત બધા જ દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો.