જ્યારે મ્યુચ્યુઅલ ફંડ કંપની બંધ થાય અથવા વેચાઇ જાય ત્યારે કોઇ પ્રવર્તમાન રોકાણકાર માટે આ નોંધવા જેવી એક ગંભીર બાબત છે. જોકે મ્યુચ્યુઅલ ફંડ્ઝનું નિયમન સેબી દ્વારા થતું હોવાથી આ પ્રકારની ઘટનાઓ માટે સૂચવેલી પ્રક્રિયા હોય છે.
બંધ થઈ રહેલી મ્યુચ્યુઅલ ફંડ કંપનીના કિસ્સામાં ફંડના ટ્રસ્ટીઝે બંધ કરવાની મંજૂરી માટે સેબી પાસે જવાનું હોય છે અથવા સેબી પોતે ફંડને બંધ કરવાનો નિર્દેશ આપી શકે છે. આવા કિસ્સાઓમાં તમામ રોકાણકારોને બંધ કરતા પહેલા છેલ્લે ઉપલબ્ધ નેટ એસેટ વેલ્યુને આધારે તેમના ફંડ્ઝ પરત કરવામાં આવે છે.
જો મ્યુચ્યુઅલ ફંડનું હસ્તાંતરણ અન્ય ફંડ હાઉસ દ્વારા કરવામાં આવે તો સામાન્યપણે બે પ્રકારના વિકલ્પો હોય છે. એક વિકલ્પ એ કે સ્કિમ્સ તેમના મૂળ ફોર્મેટમાં જારી રહે છે, જોકે નવું ફંડ હાઉસ તેના પર દેખરેખ રાખે છે. અથવા હસ્તાંતરણ કરેલી સ્કિમ્સને નવા ફંડ હાઉસમાં સ્કિમ્સની સાથે મર્જ કરવામાં આવે છે. એસેટ મેનેજમેન્ટ કંપની (એએમસી)ના તમામ વિલિનીકરણ અને હસ્તાંતરણ માટે તેમ જ સ્કિમ સ્તરનાં વિલિનીકરણ માટે પણ સેબીની મંજૂરીની આવશ્યકતા હોય છે.
આવા તમામ કિસ્સાઓમાં રોકાણકારોને સ્કિમ્સમાંથી બહાર નીકળવાનો વિકલ્પ પણ આપવામાં આવે છે, જેમાં કોઇ લોડ લાદવામાં આવતો નથી. રોકાણકાર કે ફંડ હાઉસ દ્વારા કોઇ પણ પગલું હંમેશાં પ્રચલિત નેટ એસેટ વેલ્યુ પર ભરવામાં આવે છે.