શું ડેટ ફંડ જોખમ મુક્ત હોય છે?

Video

એક એવી ગેરસમજ છે કે ડેટ ફંડ કોઇ જોખમ ધરાવતા નથી, કારણ કે તે ઇક્વિટીમાં રોકાણ કરતા નથી. એ વાત સાચી છે કે ડેટ ફંડ ઇક્વિટી ફંડની તુલનામાં ઓછા જોખમી હોય છે, પરંતુ એનો અર્થ એવો નથી થતો કે ડેટ ફંડ એવી  ખાતરી આપે છે કે તમારાં નાણાંને ક્યારેય નુકસાન નહીં થાય. ડેટ ફંડ, ડેટ અને નાણાં બજારની એવી જામીનગીરીઓમાં રોકાણ કરે છે જેના પરનાં જોખમ, શૅર બજારમાં રોકાણ કરનારા ઇક્વિટી ફંડ પર તોળાતાં જોખમો કરતાં જુદા પ્રકારનાં હોય છે. 

ડેટ ફંડ પર વ્યાજ દર જોખમ, ક્રેડિટ જોખમ અને તરલતાનાં જોખમ તોળાતાં હોય છે. શૅરબજારનાં જો જોખમો વિશે આપણે સહુ જાણીએ છીએ, તેના કરતાં આ જોખમો તદ્દન જુદાં છે. દૈનિક ધોરણે જોઇએ તો, આ જોખમ પરિબળો, શૅરબજાર પર અસર કરનારાં પરિબળો જેવાં દેખીતાં જણાઇ આવે તેવાં નથી હોતાં, પરંતુ તેમના પર જરાય ધ્યાન જ ન આપવું એવું પણ કરી શકાતું નથી.

વ્યાજ દરનું જોખમ, વ્યાજ દરમાં ફેરફારને કારણે ઊભું થાય છે અને તેની અસર, ડેટ ફંડે જે બોન્ડમાં રોકાણ કર્યું હોય તે બોન્ડની કિંમત પર પડે છે. ડેટ ફંડે જે કંપનીઓનાં બોન્ડમાં રોકાણ કર્યું હોય તેમાંની કોઇ પણ કંપનીમાં નાણાકીય કટોકટી સર્જાય ત્યારે ક્રેડિટ જોખમ ઊભું થાય છે, કારણ કે આને લીધે, તે બોન્ડ પર લેણી થતાં વ્યાજ અને મુદ્દલની ચુકવણીનું ચિત્ર એકદમ ધૂંધળું બને છે. તરલતાનું જોખમ, વારંવાર ટ્રેડ ન થતી હોય એવી ડેટ જામીનગીરીઓના કિસ્સામાં ઊભું થાય છે અને તેથી પ્રતિકૂળ સંજોગો હેઠળ, ફંડને પોતાના પોર્ટફોલિયોમાંની આવી જામીનગીરીઓ,  ખોટ ખાઇને પણ વેચી નાખવાની ફરજ પડી શકે છે. તેથી ડેટ ફંડમાં રોકાણ કરવું એ ઇક્વિટી ફંડની તુલનામાં ઓછું જોખમી હોઇ શકે છે, પરંતુ સંપૂર્ણપણે જોખમ મુક્ત તો નથી જ.

426