મ્યુચ્યુઅલ ફંડ એ આધુનિક સમયનો રોકાણનો વિકલ્પ છે. માટે, એ જાણવું મહત્ત્વપૂર્ણ છે કે ભારતમાં મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગને કોણ નિયંત્રિત કરે છે. સિક્યોરિટિઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા અથવા સેબી (SEBI) ભારતમાં મ્યુચ્યુઅલ ફંડ્ઝના તમામ પાસાઓને નિયંત્રિત કરે છે. તેણે મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં પારદર્શિતા, નિષ્પક્ષતા અને રોકાણકારોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કડક નીતિ નિયમો ઘડ્યા છે.
સેબીની સ્થાપના 1988માં થઈ હતી અને તેને કાયદા દ્વારા સિક્યોરિટિઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા ધારા 1992 શક્તિ પ્રાપ્ત થાય છે.
મ્યુચ્યુઅલ ફંડને એક ટ્રસ્ટનાં સ્વરૂપમાં સ્થાપવામાં આવે છે, જે પ્રાયોજક, ટ્રસ્ટીઝ, એસેટ મેનેજમેન્ટ કંપની (એએમસી) અને કસ્ટોડિયન ધરાવે છે. ટ્રસ્ટની સ્થાપના એક પ્રાયોજક અથવા એકથી વધુ પ્રાયોજકો દ્વારા કરવામાં આવે છે, જે કંપનીના પ્રમોટર જેવા હોય છે. મ્યુચ્યુઅલ ફંડના ટ્રસ્ટીઝ યુનિટધારકોના લાભ માટે તેની સંપત્તિ રાખે છે. સેબી દ્વારા મંજૂરી પ્રાપ્ત એએમસી વિભિન્ન પ્રકારની જામીનગીરીઓમાં રોકાણ કરીને ફંડ્ઝને સંચાલિત કરે છે. કસ્ટોડિયન, જેમની નોંધણી સેબી સાથે કરવી આવશ્યક છે, તેઓ તેમની કસ્ટડીમાં વિભિન્ન પ્રકારની યોજનાઓની જામીનગીરી રાખે છે. ટ્રસ્ટીઝ પાસે એએમસી પર દેખરેખ રાખવાની અને નિર્દેશ આપવાની સામાન્ય સત્તા આપવામાં આવે છે. તેઓ મ્યુચ્યુઅલ ફંડ દ્વારા સેબીનાં નિયમનોના પ્રદર્શન અને અનુસરણની દેખરેખ રાખે છે. સેબીના નિયમનો આવશ્યક કરે છે કે ટ્રસ્ટી કંપનીના ઓછામાં ઓછા બે-તૃતિયાંશ નિર્દેશકો અને ટ્રસ્ટીઝનું બોર્ડ સ્વતંત્ર હોવું જોઇએ, એટલે કે તેઓ પ્રાયોજકો સાથે સંકળાયેલા હોવા ન જોઇએ. આ ઉપરાંત એએમસીના 50% નિર્દેશકો સ્વતંત્ર હોવા જોઇએ.
સેબી સામાન્યપણે નીચેનો હવાલો સંભાળે છેઃ
નોંધણી અને મંજૂરીઃ મ્યુચ્યુઅલ ફંડ સેબી સાથે નોંધણી પામેલા હોવા આવશ્યક છે, તે તેની દરેક યોજના હેઠળ જાહેર જનતા પાસેથી ભંડોળ એકત્રિત કરી શકે છે.
રોકાણકાર સુરક્ષાઃ સેબી (SEBI) નિષ્પક્ષ અને નૈતિક પદ્ધત્તિઓ સુનિશ્ચિત કરવા માટે, રોકાણકારોને નુકસાન કરી શકે એવી છેતરપિંડીયુક્ત પ્રવૃત્તિઓ અને હિતોના ટકરાવને રોકવા માટે માર્ગદર્શિકા નિર્ધારિત કરે છે.
ઘોષણાની આવશ્યકતાઓઃ મ્યુચ્યુઅલ ફંડને સેબી (SEBI) દ્વારા સમયાંત્તરે નિર્ધારિત વિશિષ્ટ ઘોષણાંના ધોરણોને વળગી રહેવાની આવશ્યકતા હોય છે.
આચાર સંહિતાઃ સેબી (SEBI) નૈતિક વર્તણુક અને વ્યાવસાયિક ધોરણો સુનિશ્ચિત કરવા માટે મ્યુચ્યુઅલ ફંડ્ઝ, ફંડ મેનેજર્સ અને મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં સામેલ અન્ય મુખ્ય કર્મચારીઓ માટે એક આચાર સંહિતા સ્થાપિત કરે છે.
સામયિક સમીક્ષાઓ અને અપડેટ્સઃ સેબી (SEBI) સુનિશ્ચિત કરે છે કે બદલતી બજાર સ્થિતિઓ માટે નિયમનકારી માળખું મજબૂત અને પ્રતિભાવશીલ રહે.
સતત દેખરેખ અને સર્વેલન્સઃ નિયમનકારી ધોરણોનું પાલન સુનિશ્ચિત કરવા માટે સેબી (SEBI) મ્યુચ્યુઅલ ફંડ્ઝની સતત દેખરેખ અને સર્વેલયન્સ હાથ ધરે છે. તે કોઇ ઉલ્લંઘનના કિસ્સામાં સુધારાત્મક પગલાં ભરવા, દંડ લાદવા અને નિર્દેશો જારી કરવા માટેનો સત્તાધિકાર ધરાવે છે.
ઉપરોક્ત તમામ કાર્યો સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા દ્વારા સિક્યોરિટીઝમાં રોકાણકારોના હિતનું રક્ષણ કરવા અને સિક્યોરિટીઝ માર્કેટના વિકાસને પ્રોત્સાહન આપવા અને તેને યોગ્ય લાગે તેવા પગલાં દ્વારા તેનું નિયમન કરવા માટે કરવામાં આવે છે.
અસ્વીકરણ
મ્યુચ્યુઅલ ફંડ્સમાંનાં રોકાણો બજારનાં જોખમોને આધિન છે, સ્કીમ સંબંધિત બધા જ દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો.